લોડ થઈ રહ્યું છે...

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી: વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

જાગૃતિ કન્યા વિદ્યાલય, ફતેપુરા ખાતે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વલુના ગામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષીબેન જયંતીભાઈ બરજોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેષભાઈ જયંતીભાઈ બરજોડ, વલુંડા ગામના અગ્રણી મહાનુભવો શ્રી રમેશભાઈ પરમાર, શ્રી પર્વતભાઈ તાવિયાડ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. ધ્વજવંદન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાની કન્યાઓ દ્વારા દેશભક્તિ ગીતો, દેશભક્તિ નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓની ઉત્સાહભરી અને આકર્ષક રજૂઆતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
સફળ આયોજન અને માર્ગદર્શન આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના શિક્ષક શ્રી હેમંતભાઈ અમીન, સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર શ્રી વિજયભાઈ કે. પટેલ અને શ્રી હિતેષકુમાર જે. પારગી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવી હતી. સમારંભના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને દેશપ્રેમ, રાષ્ટ્રપ્રતિ નિષ્ઠા રાખવા અને ઉત્તમ નાગરિક બનવા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના સંદેશ સાથે સંપન્ન થયો હતો. અહેવાલ યાસિર ગુડાલા