હંસનાથ મહાદેવ મંદિરે તિરંગા શણગારથી ભક્તિ અને દેશભક્તિનો સંગમ
દેવગઢ બારિયા: હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેવગઢ બારિયા ખાતે આવેલા હંસનાથ મહાદેવ મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથના અલગ-અલગ થીમ પર વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે.
15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હંસનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથનો અનોખો તિરંગા શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં તિરંગા રંગના ફુગ્ગા તેમજ રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા. જ્યારે ભગવાન શિવના શિવલિંગને પણ ભગવા, સફેદ અને લીલા રંગથી તિરંગા સ્વરૂપે શણગારવામાં આવ્યું હતું.
શ્રાવણ માસની ભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તિરંગા શણગારને પગલે મંદિર પરિસર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને દર્શનાર્થે આવેલા ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હંસનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ પર ભગવાન ભોળાનાથના વિશેષ શણગાર કરવામાં આવે છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કરવામાં આવેલો તિરંગા શણગાર ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.