શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ
દાહોદ: શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ ખાતે “ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-2026” અંતર્ગત વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ટીબી એચ.આઈ.વી. અધિકારી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી, જેમાં કોલેજના આશરે 310 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરોગ્ય વિભાગના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, સિફિલિસ, STI, લેપ્રસી તથા એડોલેસન્ટ એજ્યુકેશન સહિતના મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો અંગે માહિતી આપી હતી.
વિદ્યાર્થીઓને વિવિધ રોગોના લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર ટેસ્ટિંગ અને સારવારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સંબંધિત એપ્લિકેશન ડાઉનલોડ કરવા અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય જાગૃતિને રસપ્રદ બનાવવા માટે વિવિધ વિષયો પર ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી. યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત QR કોડ સ્કેન કરીને સ્વ-રિસ્ક એસેસમેન્ટ કરવાની સુવિધા અંગે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ ડી.ટી.એચ.ઓ., લેપ્રસી મેડિકલ ઓફિસર, દિશા દાપકુના સ્ટાફ, NACP સ્ટાફ, એડોલેસન્ટ કાઉન્સેલર તથા TB STSના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. ટ્રસ્ટી શ્રીમતી ચંદ્રકાંતા ધાનકા તથા પ્રિન્સિપાલ ડૉ. પારુલ સિંહના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આરોગ્ય સેવાઓ, ટેસ્ટિંગ અને સારવાર અંગે યોગ્ય અને સમયસર માહિતી આપવાનો હતો. કાર્યક્રમ સફળ રહ્યો હતો.