ચોટીલા નાયબ કલેક્ટર કચેરીએ જનરેલો, ૫૧૭થી વધુ નાગરિકો ઉમટ્યા
ચોટીલા: ચોટીલા નાયબ કલેક્ટર તરીકે શ્રી એચ. ટી. મકવાણાની બદલી બાદ યોજાયેલા પ્રથમ સોમવારના નિયમિત મુલાકાતી દિવસે નાયબ કલેક્ટર કચેરી ખાતે નાગરિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. સબ-ડિવિઝનના વિવિધ ગામોમાંથી ૫૧૭થી વધુ નાગરિકો પોતાના પ્રશ્નો અને રજૂઆતો સાથે કચેરી ખાતે પહોંચ્યા હતા.
મુલાકાતી દિવસની ખાસિયત એ રહી કે અનેક નાગરિકો કોઈ વહીવટી કામ કે ફરિયાદ વગર માત્ર નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાને શુભેચ્છા પાઠવવા તથા તેમની લોકઅભિમુખ કામગીરી પ્રત્યે લાગણી વ્યક્ત કરવા પહોંચ્યા હતા. જેના કારણે વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચેના આત્મીય સંબંધોનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
કચેરી ખાતે મુખ્યત્વે મહેસૂલી પ્રશ્નો, ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદો, હદ-નિશાન, ૭/૧૨ના ઉતારા, જમીન વહેંચણી તેમજ રસ્તા બંધ કરવા અંગેની તકરારો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત જમીન પચાવી પાડવા, દીકરીઓને ભગાડી જવા, સામાજિક સુરક્ષા યોજનાઓ અને માતા-પિતાના ભરણપોષણ સહિતના પ્રશ્નો અંગે પણ અરજીઓ કરવામાં આવી હતી.
નાગરિકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને દરેક અરજદારની રજૂઆત ગંભીરતાથી સાંભળવા માટે નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણા મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી કચેરી ખાતે હાજર રહ્યા હતા. તેમણે શક્ય હોય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો, જ્યારે અન્ય મામલાઓમાં જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાકી રહેલી રજૂઆતોના ઝડપી નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીથી ચોટીલા સબ-ડિવિઝનમાં જનસેવા અને જનકેન્દ્રિત વહીવટને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનો સંદેશ મળ્યો હતો.