ફતેપુરાના વડવાસ BRC ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ
ફતેપુરા: તાલુકાના વડવાસ ગ્રામ પંચાયત સ્થિત બી.આર.સી. (BRC) યુનિટ ખાતે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવા વિશેષ માહિતી સત્ર અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પાકમાં આવતી જીવાતો અને કીટકોના કુદરતી નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા દેશી ઉપચારો બનાવવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડવાસના માજી સરપંચ કાળુભાઈ હીરાભાઈ ગરવાલ, તાલુકા પ્રોજેક્ટ મેનેજર ધ્રુવીબેન પટેલ, કૃષિ સખી સવિતાબેન ગરવાલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારી તેના વ્યાપને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.