સિંગવડના મલેકપુરના દંપતીના મોત બાદ પરિવારને રૂ.8 લાખની સરકારી સહાય
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર ગામના દંપતીનું અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મોત થતાં શોકની લાગણી વ્યાપી હતી. મલેકપુર ગામના ગોવિંદભાઈ ધીમાભાઈ ડામોર અને તેમના પત્ની ઉષાબેન ગોવિંદભાઈ ડામોર રોજીરોટી માટે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં છૂટક મજૂરી કરવા ગયા હતા. દરમિયાન ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતાં બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મૃતક દંપતીના પરિવારમાં એક પુત્રી અને બે પુત્રો છે. પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાના ધોરણે પતિ-પત્ની બંનેના પરિવારને કુલ રૂ.8 લાખની આર્થિક સહાય મંજૂર કરી છે. જેમાં મૃતક પતિ અને પત્નીના નામે રૂ.4-4 લાખના બે ચેકનો સમાવેશ થાય છે.
દાસા સમાજઘર ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે શોકગ્રસ્ત પરિવારને રૂ.8 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તથા સિંગવડ મામલતદાર એસ.સી. સંગાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સાંસદ જશવંતસિંહ ભાભોરે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ સરકાર તરફથી શક્ય તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.