ટચ ધ લાઈટ સ્કૂલમાં સરકારી સાધનસામગ્રી મળ્યાના આક્ષેપથી ખળભળાટ
ફતેપુરા: ફતેપુરા તાલુકાની ‘ટચ ધ લાઈટ’ ખાનગી શાળામાં સરકારી શાળાઓ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક અને રમત-ગમતની સાધનસામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
AAP નેતા યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા શાળામાં સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હોવાની માહિતી છે. તપાસ દરમિયાન ચાર ડિજિટલ બોર્ડ, પુસ્તકો તેમજ રમત-ગમતની સામગ્રી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળેલી સામગ્રી અંગે અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ પૈકી કેટલાક વ્યક્તિઓ સરકારી સેવામાં ફરજ બજાવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપોમાં પૂર્વીબેન ઉપાધ્યાય, અલ્કેશ પ્રજાપતિ અને ભરત પંચાલના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, સંબંધિત વ્યક્તિઓ હાલમાં કયા હોદ્દા પર ફરજ બજાવે છે તથા શાળાના ટ્રસ્ટી તરીકે તેમની ચોક્કસ ભૂમિકા શું છે તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
સરકારી સાધનસામગ્રી ખાનગી સંસ્થામાં કેવી રીતે પહોંચી અને તેનો ઉપયોગ કયા સંજોગોમાં થયો તે અંગે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. જો સરકારી સાધનસામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ અથવા નિયમભંગની પુષ્ટિ થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શાળા સીલ કરવાની તજવીજ અંગે પણ માહિતી સામે આવી છે.