લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારીઆમાં રાજ્યકક્ષાની અંડર-17 હોકી સ્પર્ધા યોજાઈ

જામનગર ગ્રામ્યની ટીમ સડનડેથમાં વિજેતા, દાહોદ જિલ્લાની ટીમ બીજા ક્રમે દેવગઢ બારીઆના રમત ગમત સંકુલ ખાતે 32મી જવાહરલાલ નહેરુ અંડર-17 બહેનોની રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની ફાઈનલમાં જામનગર ગ્રામ્ય અને દાહોદ જિલ્લાની ટીમ આમને-સામને આવી હતી. બંને ટીમો વચ્ચેની ફાઈનલ મેચ શરૂઆતથી જ રોમાંચક બની રહી હતી. નિર્ધારિત સમય દરમિયાન બંને ટીમમાંથી કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી, જેના કારણે મેચ ટાઈ રહી હતી.
મેચનું પરિણામ નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટ યોજાયો હતો. જોકે, પેનલ્ટી શૂટઆઉટમાં પણ બંને ટીમો વચ્ચે રસાકસી જળવાઈ રહી અને મુકાબલો ફરી ટાઈ રહ્યો હતો. આખરે સડનડેથમાં જામનગર ગ્રામ્યની ટીમે નિર્ણાયક પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. આ સાથે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની ટીમ પ્રથમ ક્રમે, દાહોદ જિલ્લાની ટીમ બીજા ક્રમે અને ભાવનગર ગ્રામ્યની ટીમ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થઈ હતી. વિજેતા બનેલી જામનગર ગ્રામ્યની ટીમ હવે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. દેવગઢ બારીઆ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધાએ રમતપ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.