દાહોદ એસ.ટી. ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ યોજાઈ
દાહોદ એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. વિભાગના કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર તેમજ મિકેનિકલ વિભાગના કર્મચારીઓ સહિત અંદાજે 252 કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય તપાસ દરમિયાન 78 કર્મચારીઓની બ્લડ સુગર અને 78 કર્મચારીઓનું બ્લડ પ્રેશર ચકાસવામાં આવ્યું હતું. તપાસમાં 14 કર્મચારીઓમાં હાઈ બ્લડ પ્રેશર જોવા મળ્યું હતું. જ્યારે કેટલાક કર્મચારીઓમાં બ્લડ સુગર તથા બ્લડ પ્રેશર બંનેમાં અસામાન્યતા જોવા મળતા તેમને જરૂરી તબીબી સલાહ અને આગળની તપાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન દાહોદ અર્બન RBSKના ડૉ. પ્રફુલ ઠક્કર, બરવાળી RBSKના ડૉ. મહિપાલ, ડૉ. મનીષાબેન, ડૉ. ચિરાગ સોલંકી સહિત CHO અને આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.
આરોગ્ય વિભાગની ટીમે કર્મચારીઓને બિનચેપી રોગો અંગે જાગૃતિ, નિયમિત આરોગ્ય તપાસ, યોગ્ય આહાર, વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
એસ.ટી. કર્મચારીઓમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોનું વહેલું નિદાન થાય અને સમયસર સારવાર તથા આરોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દાહોદ એસ.ટી. ડેપોના ડેપો મેનેજર શ્રી વસૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.