ઝાલોદમાં લાયસન્સ વિના ચાલતી ચાર મટનની દુકાનો સીલ અસ્વચ્છતા બદલ 20 વેપારીઓને કુલ રૂ.20 હજારનો દંડ
ઝાલોદ, તા.22: ઝાલોદ નગરમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેપારમાં નિયમોનું પાલન થાય તેમજ નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે કોઈ ચેડાં ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે નગરની વિવિધ હોટેલો, મટનની દુકાનો તથા ખાદ્ય ચીજવસ્તુઓના વ્યવસાયિક એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાની અધ્યક્ષતામાં મામલતદાર એસ.એમ. પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન જરૂરી લાયસન્સ વિના મટનનો વ્યવસાય કરતી ચાર દુકાનો મળી આવતા નિયમોના ભંગ બદલ ચારેય દુકાનોને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત ટીમ દ્વારા વિવિધ હોટેલો તથા ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનોમાં સ્વચ્છતા અને હાઈજિનની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અસ્વચ્છતા અને ગંદકી જોવા મળતાં કુલ 20 વેપારીઓને પ્રત્યેક રૂ.1,000નો દંડ કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ.20,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
તંત્રની ઓચિંતી તપાસને પગલે ઝાલોદના ખાદ્ય ચીજોના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. કેટલીક દુકાનોના સંચાલકોએ કાર્યવાહીથી બચવા શટર બંધ કરી દીધા હોવાની સ્થિતિ પણ જોવા મળી હતી.
તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી લાયસન્સ, સ્વચ્છતા અને હાઈજિન સહિતના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.