દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ
દેવગઢ બારિયા: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા પ્રાયોગિક તાલીમ અને માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં ગામના અનુભવી પ્રાકૃતિક ખેડૂત દ્વારા ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો—જીવામૃત, બીજામૃત, આચ્છાદાન (મલ્ચિંગ), વાફસા અને જૈવ વિવિધતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતી વિવિધ સામગ્રીનો ખેતરમાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડો થવાની સાથે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. સાથે જ પર્યાવરણનું જતન અને ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે.
તાલીમ શિબિરમાં રેબારી ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતોએ પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.