દેવગઢ બારિયામાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી
દેવગઢ બારિયા: દેવગઢ બારિયા નગરમાં ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્વ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા હતા.
કસ્બા જામા મસ્જિદથી શરૂ થયેલો જુલૂસ સર્કલ બજાર, ટાવર શેરી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો અને અંતે ઉશ્કુલ્લાશાહ બાવની દરગાહ પાસે પૂર્ણ થયો હતો. જુલૂસ દરમિયાન યુવાનો, વડીલો તેમજ નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન વિવિધ સ્થળોએ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નાના બાળકોને ચોકલેટ આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર નગરમાં પર્વને લઈને ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ટીમોએ સમગ્ર રૂટ પર નજર રાખી હતી.
આ પ્રસંગે દેવગઢ બારિયામાં કોમી એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. કેટલાક હિન્દુ આગેવાનોએ મુસ્લિમ બિરાદરો સાથે કેક કાપીને ઈદની ખુશીમાં ભાગ લીધો હતો તેમજ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું.
આમ, ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન ધાર્મિક ભાવના સાથે હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.