પ્રાકૃતિક ખેતીથી સફળતાની નવી રાહ, હિંમતસિંહ પરમારની પ્રેરણાદાયક સફર
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતરિયાળ નાગવાવ ગામના ખેડૂત હિંમતસિંહ વજેસિંહ પરમારે પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિવૃત્તિ બાદ પરિવારના સ્વાસ્થ્ય અને સમયના સદુપયોગને ધ્યાનમાં રાખીને તેમણે છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.
હિંમતસિંહ પરમારે યુટ્યુબ પર ઉપલબ્ધ વિવિધ માહિતી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી અંગેના માર્ગદર્શક વીડિયો થકી આ ખેતી પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેમણે પોતાના ‘જય શ્રી રામ ઓર્ગેનિક ફાર્મ’ ખાતે રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યા વિના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે.
તેમના ખેતરમાં ૨૫૦ પોલ પર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૫૦ આંબાના વૃક્ષો, ૧૦૦ કાજુના વૃક્ષો તેમજ મકાઈનું પણ પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે.
ખેતીમાં તેઓ છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને લીમડાનો ખોળ જેવા દેશી ઉપાયોનો ઉપયોગ કરે છે. મકાઈ સહિતના પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે જીવામૃત પણ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ડ્રેગન ફ્રૂટના વાવેતરના માત્ર ૧૨ મહિનામાં જ છોડ પર ફળ આવવાનું શરૂ થયું હતું. અત્યાર સુધીમાં આશરે ૧૦૦ કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવી તેનું વેચાણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ફળની ગુણવત્તાને કારણે ગ્રાહકોમાં પણ તેની સારી માંગ જોવા મળી રહી છે અને પ્રતિ કિલો રૂ.૧૫૦થી રૂ.૨૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. અત્યાર સુધીના વેચાણથી આશરે રૂ.૨૦ હજારની આવક મેળવી હોવાનું હિંમતસિંહ પરમારે જણાવ્યું છે.
હિંમતસિંહ પરમારની આ સફળ સફર દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી ખેડૂતો ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી સારી આવક મેળવી શકે છે. તેમની ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.