દેવગઢબારિયા ઘટક-૩ની તમામ આંગણવાડીઓમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની ઘટક-૩ હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રોમાં “પા પા પગલી પ્રોજેક્ટ” અંતર્ગત જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં ગોકુળ જેવો આહલાદક માહોલ સર્જાયો હતો.
જન્માષ્ટમી નિમિત્તે નાના ભૂલકાઓ કૃષ્ણ, રાધા, બલરામ, નંદબાવા, સુદામા તેમજ ગોવાળાના વેશમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના મનમોહક વેશભૂષાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ઉજવણી દરમિયાન વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મટકી શણગાર, રંગપૂરણી અને મટકીફોડ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સર્જનાત્મકતા અને કલાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત બાળકોએ નાટ્યકરણના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની સુંદર રજૂઆત કરી હતી. રાધા-કૃષ્ણના વેશમાં સજ્જ બાળકોએ કૃષ્ણ ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. “પા પા પગલી પ્રોજેક્ટ” અંતર્ગત યોજાયેલી આ ઉજવણીથી બાળકોને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાની સાથે સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને સામૂહિક ભાગીદારીનો આનંદદાયક શૈક્ષણિક અનુભવ મળ્યો હતો.