લોડ થઈ રહ્યું છે...

કોમેડી કિંગ ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

કોમેડી કિંગ ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત
સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને મનોરંજનના વીડિયો દ્વારા આગવી ઓળખ બનાવનાર અને ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૂળ સુઈગામના વતની ચંદન રાઠોડના અચાનક નિધનના સમાચારથી પરિવારજનો, મિત્રો અને તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. મળતી માહિતી મુજબ ચંદન રાઠોડ બાઈક પર ભાભર-સુઈગામ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન હરિધામ ગૌશાળા નજીક બાઈકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થતાં આસપાસના લોકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ ગંભીર ઈજાઓના કારણે ચંદન રાઠોડને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પ્રસરી જતા મોટી સંખ્યામાં ચાહકો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.
કોમેડી કિંગ ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત - Image 2
‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડે પોતાના કોમેડી વીડિયો અને આગવી રજૂઆતના માધ્યમથી સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો બનાવ્યા હતા. તેમના અચાનક અવસાનથી સોશિયલ મીડિયા ક્ષેત્રે પણ શોકની લાગણી જોવા મળી રહી છે. આ બનાવ અંગે ભાભર પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતની સમગ્ર હકીકત જાણવા તપાસ શરૂ કરી હતી. મૃતદેહનું ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ વાલી-વારસોને સોંપવામાં આવ્યો હતો.