ફતેપુરાના ઝાલોદ રોડ પર ગજરાજ ગણેશ મંડળનું ભવ્ય આયોજન
ફતેપુરા નગરના ઝાલોદ રોડ ખાતે બિરાજમાન ‘ગજરાજ ગણેશ મંડળ’ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણેશોત્સવ નિમિત્તે ભક્તિ સાથે અવિરત સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. મંડળના કાર્યકરો અને સ્થાનિક યુવાનોની મહેનતથી દરરોજ દર્શનાર્થે આવતા ભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
ગણેશજીના દર્શન અને આરતી સાથે ભક્તો માટે દરરોજ નાસ્તા તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. મંડળ દ્વારા ‘કોઈ વ્યક્તિ ભૂખ્યો ન જાય’ તેવા સેવાભાવ સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગજરાજ ગણેશ મંડળના પંડાલમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા પણ પોતાની કલા રજૂ કરવામાં આવી છે. ‘મા-બાપને ભૂલશો નહીં’ ફેમ અશ્વિનભાઈ જોશી તેમજ જાણીતા કલાકાર નવસાદ કોટેડિયા સહિતના કલાકારોની ઉપસ્થિતિ રહી ચૂકી છે.
આ ઉપરાંત, ગણેશોત્સવના માધ્યમથી સામાજિક સમરસતા અને કોમી એકતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. વિવિધ જ્ઞાતિ-સમાજના લોકો એક પરિવારની જેમ સાથે મળી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે.
આમ, ગજરાજ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી ભક્તિ, સેવા અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.