લોડ થઈ રહ્યું છે...

દાહોદ જિલ્લાના કોળી સમાજને પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચામાં પ્રતિનિધિત્વ , ગીતાબેન ચૌહાણની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક થતાં દેવગઢબારિયા સહિત સમગ્ર જિલ્લામાં આનંદનો માહોલ

દાહોદ જિલ્લાના કોળી સમાજને પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચામાં પ્રતિનિધિત્વ , ગીતાબેન ચૌહાણની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક થતાં દેવગઢબારિયા સહિત સમગ્ર જિલ્લામાં આનંદનો માહોલ
દાહોદ જિલ્લાના કોળી સમાજ માટે ગૌરવની બાબત સામે આવી છે. દેવગઢબારિયા તાલુકાના નાની મંગોઈ ગામના વતની અને બે ટર્મ સરપંચ તરીકે સેવા આપી ચૂકેલા ગીતાબેન નિર્મળસિંહ ચૌહાણની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચામાં પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકથી દેવગઢબારિયા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં બક્ષીપંચ અને કોળી સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ માનસિંહ પરમાર દ્વારા જાહેર કરાયેલી પદાધિકારીઓની યાદીમાં ગીતાબેન ચૌહાણને પ્રદેશ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગીતાબેન ચૌહાણ નાની મંગોઈ ગામના બે ટર્મ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત દાહોદ જિલ્લા ભાજપના મંત્રી તરીકે પણ બે ટર્મ જવાબદારી નિભાવી ચૂક્યા છે. સંગઠન તેમજ સ્થાનિક સ્તરે લાંબા સમયથી સક્રિય રહેલા ગીતાબેન ચૌહાણને હવે પ્રદેશ કક્ષાની જવાબદારી મળતાં તેમના સમર્થકો, સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની નિમણૂકના સમાચાર બાદ દેવગઢબારિયા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં વસતા બક્ષીપંચ અને કોળી સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાના સંગઠનમાં કોળી સમાજના પ્રતિનિધિને મહત્વપૂર્ણ જવાબદારી મળવી સમાજ માટે ગૌરવની બાબત છે. આ નિમણૂકથી સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું હતું. ગીતાબેન ચૌહાણને નિમણૂક બદલ સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શંકરભાઈ અમલીયાર સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રદેશ બક્ષીપંચ મોરચામાં નવી જવાબદારી મળતાં ગીતાબેન ચૌહાણ હવે પ્રદેશ કક્ષાએ સંગઠનની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમની નિમણૂકને લઈને દેવગઢબારિયા તાલુકા તેમજ સમગ્ર દાહોદ જિલ્લાના કોળી અને બક્ષીપંચ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.