અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝાલોદમાંથી ઝડપાયો
ઝાલોદ: ઝાલોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝાલોદ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તા. 5 ઓક્ટોબરના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2), 87, 54 અને 351(3) હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી આશિષભાઈ હિતેશભાઈ વસૈયા, રહે. બીયામાળી કોલેજ ફળિયા, તા. ઝાલોદ, જી. દાહોદ, પોતાના ઘરે હાજર છે.
બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ હાથ ધરતા આશિષભાઈ વસૈયા હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ આરોપીને કબજે સંભાળવા માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી (IPS), પંચમહાલ-ગોધરા રેન્જના માર્ગદર્શન હેઠળ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના સૂચનાથી તથા ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં અ.હે.કો. અર્જુનભાઈ શંકરભાઈ, અ.હે.કો. વિપુલભાઈ મંગળભાઈ, પો.કો. મહેશભાઈ પ્રતાપભાઈ અને અ.પો.કો. શૈલેષભાઈ કરણભાઈ જોડાયા હતા.
ઝાલોદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.