ઝાલોદમાં મહેસૂલી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન 14 પડતર માંગણીઓને લઈ નાયબ મામલતદાર સહિત કર્મચારીઓ મેદાનમાં; 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદમાં નાયબ મામલતદાર સહિત મહેસૂલી વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને 14 મુખ્ય માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આંદોલનના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ અંતર્ગત તા. 5 ઓક્ટોબરના રોજ મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. કરવામાં આવી હતી. કર્મચારીઓએ તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા, નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સિનિયોરિટી જાહેર કરવા, જિલ્લા ફેરબદલીમાં પારદર્શક ઓનલાઈન પ્રક્રિયા અમલમાં મૂકવા સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરી છે.
આ ઉપરાંત સીધી ભરતી પ્રક્રિયા બંધ કરવા, ખાતાકીય પરીક્ષાઓ યોજી પરિણામ જાહેર કરવા, ફેરણી અધિકારીઓના PTA ભથ્થામાં વધારો કરવા, જનસેવા કેન્દ્ર માટે અલગ મહેકમ મંજૂર કરવા તથા ઈ-ધરા, ડિજિટલ ગુજરાત અને જનસેવા કેન્દ્ર સહિતની કામગીરીના વધતા ભારને ઘટાડવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે.
મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
જો માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તા. 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી મહેસૂલી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.