લીમખેડા પોલીસની બાતમીના આધારે એસ.ઓ.જી. દાહોદે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડી હથિયાર રાખવાના ગુનાનો ભેદ ઉકેલ્યો
દાહોદ, તા. 06 ઓગસ્ટ
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દાહોદને વધુ એક સફળતા મળી છે. લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરીયા ગામ નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિલી ચૌધરી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી. દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોરીયા ગામ જવાના રસ્તા પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે શંકાસ્પદ વ્યક્તિને રોકી તેની તપાસ કરતાં તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી. ત્યારબાદ આરોપીને સ્થળ પરથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીની ઓળખ અસુભાઈ વિરસિંગભાઈ ડીંડોર (ઉં. 36), રહે. ગોરીયા, નાકા ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ તરીકે થઈ છે. આરોપી પાસેથી અંદાજિત રૂ. 3,15,000ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી છે.
આ બનાવ અંગે લીમખેડા પોલીસ સ્ટેશનમાં હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.યુ. જોજો તેમજ એસ.ઓ.જી. દાહોદની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
– કેલમ ન્યૂઝ
તંત્રી : મહેશ ગેહલોત
મો. 9924047495