ફતેપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ: માર્ગો પર પાણી ફરી વળ્યા, ખેડૂતોમા આનંદનો માહોલ
ફતેપુરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. સવારથી શરૂ થયેલા ધીમીધારના વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું છે.
સતત વરસી રહેલા વરસાદના પરિણામે ફતેપુરાના મુખ્ય માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક રહીશોએ અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મેળવી હતી.
વરસાદના આગમનથી સૌથી વધુ ઉત્સાહ ખેડૂત આલમમાં જોવા મળી રહ્યો છે. વાવણીલાયક અને અનુકૂળ વરસાદ થતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે. સમગ્ર ફતેપુરા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો છે.
અહેવાલ : યાસીર ગુડાલા ફતેપુરા