ધોધમાર વરસાદ વચ્ચે પરપટા પ્રાથમિક શાળાનું ધાબું ભરાયું, બાંધકામની ગુણવત્તા સામે સવાલો
લીમખેડા: તાલુકાના પરપટા (નવીન ઉયડા) ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામમાં વરસાદ વચ્ચે સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે આર.સી.સી. સ્લેબનું કામ ચાલુ રાખવામાં આવતા બાંધકામની ગુણવત્તા અને મજબૂતી અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ ચાલુ હોવા છતાં શાળાના મકાનનું ધાબું ભરવાનું કામ બંધ કરવામાં આવ્યું નહોતું. વરસાદી પાણી કોંક્રિટમાં ભળવાથી બાંધકામની ગુણવત્તા પર અસર થવાની શક્યતા અંગે ગ્રામજનો અને વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને આ મકાનમાં ભવિષ્યમાં બાળકો અભ્યાસ કરવાના હોવાથી બાંધકામની ગુણવત્તા અંગે યોગ્ય તકેદારી રાખવાની માંગ કરવામાં આવી છે.
વરસાદ વચ્ચે કામ ચાલુ રાખવા અંગે સ્થળ પર હાજર સુપરવાઈઝરને પૂછવામાં આવતા સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.
ગામના જાગૃત નાગરિકો અને વાલીઓએ શિક્ષણ વિભાગ તથા સંબંધિત અધિકારીઓ સમક્ષ સમગ્ર બાંધકામની તાત્કાલિક તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ વરસાદ દરમિયાન ભરાયેલા સ્લેબનું ક્વોલિટી ટેસ્ટિંગ કરાવી બાંધકામની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો તપાસ દરમિયાન નિયમોનો ભંગ અથવા બાંધકામમાં ખામી સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત વ્યક્તિઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
નોંધ: આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત તંત્રની તપાસ બાદ જ થઈ શકશે.
રિપોર્ટર : દર્શન સુતરીયા દેવગઢ બારિયા