દાહોદમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ
કલેક્ટર સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું
દાહોદ,૧૨ ઓગસ્ટ: આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં આગામી તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનાર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સુખસર તાલુકાના વરૂણાશ્રમ મકવાણાના વરૂણા ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન પોલીસ જવાનો દ્વારા યોજાનારી પરેડ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા, જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી હિમાનીબેન શાહ, ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક, સુખસર મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતસિંહ બારિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાકક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પી.સી. બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.