દેવગઢ બારિયામાં ભવ્ય ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ
દેવગઢ બારિયા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે દેવગઢ બારિયા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ જોડાયા હતા.
બસ સ્ટેન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ટાવર ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબાસાહેબે પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં ભાગ લીધો હતો.
કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના ખેલાડીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. નગરજનોની ઉત્સાહભેર હાજરીથી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. ‘ભારત માતા કી જય’ના નાદથી દેવગઢ બારિયા ગુંજી ઉઠ્યું હતું.
તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર: દર્શન સુતરીયા, દેવગઢ બારિયા