લોડ થઈ રહ્યું છે...

જન્મદિનની અનોખી ઉજવણી: ડૉ. ઉદય ટીલાવતે ૨૭મી વખત રક્તદાન કર્યું, દાહોદમાં ૨૧૧ યુનિટ રક્ત એકત્રિત

જન્મદિનની અનોખી ઉજવણી: ડૉ. ઉદય ટીલાવતે ૨૭મી વખત રક્તદાન કર્યું, દાહોદમાં ૨૧૧ યુનિટ રક્ત એકત્રિત
દાહોદ, તા. ૧૩: દાહોદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના જન્મદિન નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે યોજાયેલા કેમ્પમાં કુલ ૨૧૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા કેમ્પમાં ૫૧ યુનિટ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ૧૯ યુનિટ અને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ૧૪૧ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ પ્રસંગે ડૉ. ઉદય ટીલાવતે પોતે પણ ૨૭મી વખત રક્તદાન કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રક્તદાન એ જીવનદાન સમાન છે અને જન્મદિન જેવા પ્રસંગને રક્તદાન કરીને ઉજવવાથી સમાજમાં માનવતા તથા સેવાભાવનો સંદેશ પહોંચે છે.
આ રક્તદાન અભિયાનનો હેતુ લોહીની ઉણપ ધરાવતી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. સાથે જ યુવાનો અને નાગરિકોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. કેમ્પમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ડોક્ટરો, સમાજસેવકો, શિક્ષકો, SRPFના જવાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. ઉદય ટીલાવતે રક્તદાન કેમ્પને સફળ બનાવવા બદલ તમામ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, SRPFના જવાનો, સમાજસેવકો, રક્તદાતાઓ અને આયોજન સાથે જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.